ભર્યા's image
2 min read

ભર્યા

Ravji PatelRavji Patel
0 Bookmarks 106 Reads0 Likes

ભર્યા સમંદર આંખોથી ખાલી કરવાના
હજી કેટલું જીવવાનું છે; બકવાનું છે?
ગાલ નીચેની માટીમાં આકાશ લસરતું
સરવર જલને મળી ચૂકેલું માંસ બોલતું.
'ભર્યા સમંદર આંખોથી ખાલી કરવાના'
જન્મ્યું શું? - રોજ ઊઠીને પૂછીએ તો ક્હે-
હજી કેટલું જીવવાનું છે; બકવાનું છે?
ગાલ નીચેની માટીમાં આકાશ લસરતું
પવન રુધિરે છણક્યો-છાતીનાં ફૂલ ખરશે
ખરશે એવું થઈને ઝૂલ્યાં ગઈ કાલને
યાદ કરીને ભૂલ્યાં-ભૂલ્યાં સુખ આજનાં
જન્મ્યું શું રોજ ઊઠીને પૂછીએ તો ક્હે :
'પવન રુધિરે છણક્યો-છાતીનાં ફૂલ ખરશે'
એવું માઠું શમણું પાછું કાઢો-પાછું કાઢો.
યાદ કરીને ભૂલ્યાં એ પણ. સુખ આજનાં
ખરશે એવું સમજી ઝૂલ્યાં ગઈ કાલને
ઝૂલે. સરવર ઝૂલે, વાસણ ઝૂલે ઓરે!
મરવાનું છે કાલે ગીધને પાછું કાઢો, પાછું.
હજી અમે ના દીઠી કોયલ વ્હેતી; આંબો
હરતો ફરતો હજી અમે ના દીઠો, પર્વત
ઝૂલે? સરવર ઝૂલે? વાસણ ઝૂલે? ઓરે!
હજી અમે ના દીઠી કોયલ વ્હેતી! આંબો
શરીરમાંથી લચક્યો ક્યારે? લળક્યો ક્યારે?
મરવાનું છે કાલે ગીધને પાછું કાઢો; પાછું.
હરતો-ફરતો હજી અમે ના દીઠો પર્વત-
પર્વત બકાસુરનું મસ્તક થઈને વાગે!
વાગે-વહાણવટાની વાતો, ખરતું પાન આંખનું
વાગે-વાગે કન્યાની પીઠનો પીળો પડછાયો.
હરતો ફરતો હજી અમે ના દીઠો : આંબો
શરીરમાંથી લળક્યો ક્યારે, લચક્યો ક્યારે?
લોહી વગરનો-માંસ વગરનો-કૈંક વગરનો

 

No posts

Comments

No posts

No posts

No posts

No posts