ભાંગો ભોગળ's image
2 min read

ભાંગો ભોગળ

Krishnalal ShridharaniKrishnalal Shridharani
0 Bookmarks 115 Reads0 Likes

ભાંગો ભોગળ ! ભાંગો ભોગળ !
ખોલો બારીબારણાં !
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !”
સાદ દે મ્હેરામણા !

આભ ચંદરવો,
ઝણે સંગીત સાગરતાર :
પાનખરનાં ઓઢણાં,
ઝંઝાનિલે નિજ નૃત્ય માંડ્યું
પૃથ્વીને પગથાર :
વન-વચન ગાય હુલામણાં !
“ સૃષ્ટિના તાંડવ મહીં તમ સાથ પૂરો !”
સાદ દે મ્હેરામણા !

મયૂર નાચે મત્ત હૈયે,
આભ પંખે પાથરી;
કપોત કૂજે કુંજકુંજે
પાંખમાં પાંખો વણી;
આમલીની ડાળ વીંઝે વીંઝણા !
“ સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !”
સાદ દે મ્હેરામણા !

શિરિષતરુના શુષ્ક ઘૂઘરે,
અનિલ બાજે ખંજરી;
સહકાર સુંદરીઓ હસી હસી,
દાંત વેરે મંજરી.

શાલવનનાં પર્ણ ગાય વધામણાં !
“ સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ !”
સાદ દે મ્હેરામણા !

શુષ્ક, ક્ષીણ, વિદીર્ણ,
જીર્ણ નીચે ખરે-
વિશ્વસંગીતમાં બસૂર જે,
સૃષ્ટિનૃત્યે તાલ જેના ના પડે !
નવ વિભવ ને નવ સૃજનમાં અળખામણા !
“ સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !”
સાદ દે મ્હેરામણા !

નિસર્ગ નાચ્યો,
શુષ્ક પર્ણ સરી પડ્યાં ;
પૃથ્વી નાચી,
માચીના થર ઊતર્યા;
વ્યોમ નાચ્યું,
હ્રદય ડૂમા આંસુડાં થઈ ઓગળ્યા :
એક માનવ ના ઊઠ્યો, એને મીઠી આત્મપ્રતારણા !
“ સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !”
સાદ દે મ્હેરામણા !

“ભાંગો ભોગળ, ખોલો બારીબારણાં ! ”
સાગર પુકારે સાદ :
સાંકળ સહુ ખખડાવી જાય સમીરણા.
ઝાડ જાગે, શુષ્ક ત્યાગે,
પંખી પ્રાણી નાચતાં;
પણ માનવી ધડ ધડ કરી
નિજ દ્વારબારી વાસતાં.
એને રૂઢ વ્હાલું : મૃત્યુનૃત્ય બિહામણાં !
“ સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !”
સાદ દે મ્હેરામણા !

No posts

Comments

No posts

No posts

No posts

No posts