
0 Bookmarks 132 Reads0 Likes
મરણ દુ:ખ અતિ કારમું રે,
મરણ મોટેરો માર ,
કંઇક રાજા ને કંઇક રાજિયા
છોડી ચાલ્યા દરબાર
તે હરિનો રસ પીજિયે.
સંસાર ધૂવાડાના બાચકાને
સાથે આવે નહીં કોઇ,
રંગ પતંગનો ઊડી જાશે ને
રે’શે જોનારા રોઇ…. તે હરિનો …..
કોના છોરૂ ને કોના વાછરૂ,
કોના મા ને બાપ
એમાંથી કોઇ નહીં ઉગરે
જાશે બુઢ્ઢાને બાળ… તે હરિનો….
માળી વીણે રૂડા ફૂલડાને
કળિયું કરે રે પોકાર,
આજનો દા’ડો રળિયામણો
કાલે આપણ શીર ભાર… તે હરિનો….
મરનારાને તમે શું રે રૂઓ,
નથી રોનારો રહેનાર
જન્મ્યા એટલાં જીવે નહીં ને,
જાશે એની જણનાર… તે હરિનો….
ધીરો રમે રંગ મહેલમાં,
રમે દિવસ ને રાત,
અંતે જાવુ જીવને એકલું,
સાથે પુણ્ય ને પાપ…તે હરિનો રસ પીજિયે.
No posts
No posts
No posts
No posts
Comments