ગુજારે જે શિરે તારે's image
2 min read

ગુજારે જે શિરે તારે

Balashankar KanthariaBalashankar Kantharia
0 Bookmarks 4161 Reads0 Likes

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે

દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે

કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો
જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે

રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે
દિલે જે દુ:ખ કે આનંદ કોઈને નહિ કહેજે

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલ્રક્ષ્મી ગણી લેજે

રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લેજે
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે

કટુ વાણી જો તું સુણે વાણી મીઠી તું કહેજે
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો
ન માંગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે

અહો શું પ્રેમમાં રાચે? નહિ ત્યાં સત્ય તું પામે!
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણે નેજે

લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે
અરે એ કીમિયાની જે મઝા છે તે પછી કહેજે

વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી
વફાદારી બતાવા ત્યાં નહિ કોઈ પળે જાજે

રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીના તું બધા છલબલ જવા દેજે

પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે

કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઈ
નિજાનંદે હમ્મેશાં ‘બાલ’ મસ્તીમાં મઝા લેજે

No posts

Comments

No posts

No posts

No posts

No posts