મારા's image
0 Bookmarks 144 Reads0 Likes

મારા સુણી ઓળખીને ટકોરા
દ્વારો ઉઘાડ્યાં ક્ષણમાં સખીએ,
થોડા થયાં માસ બની'તી માતા
વાત્સલ્યથા જે નમણી વિશેષ!
'કહો સખી! કાંઈ નવીન?' કહેતાં
હસીઃ 'હજી તો હમણાં ગયા'તા,
નવીન તે હોય શું એટલામાં?'
ત્યાં ખંડમાં, અધ્ધર બેઉ પાય
અફાળવાના થડકાથી કંપતો,
અર્ધો હસ્યાનો, અરધો રડ્યાનો

-શું ભાખતો જિંદગીનું રહસ્ય!-
શિશુ તણો એ સ્વર સંભળાયો!
'નવીન, લ્યો આ, પૂછતા હતા તે!
રમી રમીને, તમ આવતાં જ
કેવી કરે છે ફરિયાદ લુચ્ચો!'
જવાબ એના સમ, વિશ્વકેરી
આ યોજનાને પડકારનારો,
હવે સરન્તો રુદને ત્વરાથી,
કંપી સ્વયં કંપ કરાવનારો,
અમે સુણ્યો દીર્ઘ થતો પુકાર!

'જુઓ, જુઓ! ખૂબ રડે છ, જાઓ,
થયું હશે કૈ; ઝટ જૈ જુઓ તો!'
'થવાનું તે શું હતું? એ થયો છે
અત્યારથી ઢોંગી તમો જ જેવો!
જોજો, ઘડીમાં રહી જાય ન્હૈં તો!'
અને ખરે એ ગઈ તેની સાથે,
સમાય બીનસ્વર જેમ બીને,
તેવો શમ્યો માતની ગોદમાં એ.

જરા પછી સ્વસ્થ થયો; સુણ્યો ત્યાં
'આમા'વજો' સાદ, જતાં નિહાળું તો,
જેવું સવારે હિમકેરું બિન્દુ
કો પુષ્પકોષે જઈને ઠરી રહે,
જેવું પીને પુષ્પમધુ પતંગ
પુષ્પે જ થૈ શાન્ત અને પડી રહે,
તેવો હતો ગોદ મહીં જ ઊંઘતો.

ધીમે રહી મૂકી જમીન કહે જેઃ
'બેસો, જુઓ, કેવું તમારી પેઠે
ડાબું નમાવી શિર એ સૂએ છે?'
બેઠો હુંયે. ઉન્નત ને ભરેલા
મેઘો ચડે સામસામી દિશાથી,
ચઢી, મળી મધ્યનભે, લળીને,
પૃથ્વી પરે અનરાધાર વર્ષે,
તેવાં અમે સામસામેથી ઝૂક્યાં
શિશુ પરે, ને વરષ્યાં સહસ્ત્ર
ધારો થકી અંતર કેરું હેજ.
જેવા ધરાથી થઈ પુષ્ટ મેઘ
વર્ષે ધરા ઉપર મેઘ પાછા,
તેવાં અમે તૃપ્ત થતાં જ વર્ષ્યાં
ને વર્ષીને તૃપ્ત થયાં ફરીથી!
ને ત્યાં અમો બેઉ અને શિશુનો
બની રહ્યો મંગલ એ ત્રિકોણ!

No posts

Comments

No posts

No posts

No posts

No posts