પછી's image
0 Bookmarks 1118 Reads1 Likes

પછી શામળિયોજી બોલિયા
પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે
હાજી બાળપણાંની પ્રીત મને કેમ વિસરે રે

આપણે બે મહિના સાથે રહ્યાં તને સાંભરે રે
સાંદીપનિ ઋષિને ઘેર મને કેમ વિસરે રે

અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે
હાજી જમતાં ત્રણે ય સાથ મને કેમ વિસરે રે

આપણે સુતા એક સાથરે તને સાંભરે રે
સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે

પાછલી રાતના જાગતા તને સાંભરે રે
હાજી કરતા વેદનો પાઠ મને કેમ વિસરે રે

ગુરુ આપણા ગામે ગયા તને સાંભરે રે
હાજી જાચવા કોઈ શેઠ મને કેમ વિસરે રે

કામ દીધું ગોરાણીએ તને સાંભરે રે
કહ્યું લઈ આવો કાષ્ટ મને કેમ વિસરે રે

શરીર આપણાં ઉકળી ગયાં તને સાંભરે રે
હાજી લાગ્યો સૂરજ તાપ મને કેમ વિસરે રે

ખંભે કુહાડા ધરિયા તને સાંભરે રે
ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે

આપણે વાદ વદ્યા ત્રણે બાંધવા તને સાંભરે રે
હાજી ફાડ્યું મોટું ઝાડ મને કેમ વિસરે રે

ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભરે રે
હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે

શીતળ વાયુ વાયો ઘણો તને સાંભરે રે
હાજી ટાઢે થરથરે દેહ મને કેમ વિસરે રે

નદીએ પૂર આવ્યું ઘણું તને સાંભરે રે
ઘન વરસ્યો મૂશળધાર મને કેમ વિસરે રે

એકે દિશા સૂઝે નહિ તને સાંભરે રે
થાતા વીજ તણાં ચમકાર મને કેમ વિસરે રે

ગુરુજી નીસર્યાં ખોળવા તને સાંભરે રે
દેતાં ગોરાણીને ઠપકો અપાર મને કેમ વિસરે રે

આપણને છાતીએ ચાંપિયાં તને સાંભરે રે
હાજી તેડીને લાવ્યા ઘેર મને કેમ વિસરે રે

No posts

Comments

No posts

No posts

No posts

No posts