Prabhu Antaryami's image
1 Bookmarks 6134 Reads0 Likes
પ્રભો અંતર્યામી...
પ્રભો અંતર્યામી, જીવન જીવના દીનશરણા
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ, સર્વસ્વ જનના
નમું છું વંદું છું વિમળમુખ સ્વામી જગતના
સહુ અદ‌્ભુતોમાં તુજ સ્વરૂપ અદ‌્ભુત નીરખું
મહા જ્યોતિ જેવું નયન શશિ ને સૂર્ય સરખું
દિશાની ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો
પ્રભો તે સૌથીએ પર પરમ તું દૂર ઊડતો
પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું જ છે
તું સૃષ્ટિ ધારે છે સૃજન પ્રલયે નાથ તું જ છે
અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે
પિતા છે એકાકી જડ સકલ ને ચેતન તણો
ગુરૂ છે મોટો છે જનકુલ તણો પૂજ્ય તું ઘણો
ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે

વસે બ્રહ્માંડોમાં અમ ઉર વિશે વાસ વસતો
તું આઘેમાં આઘે પણ સમીપમાં નિત્ય હસતો
નમું આત્મા ઢાળી નમન લળતી દેહ નમજો
નમું કોટિ વારે વળી પ્રભુ નમસ્કાર જ હજો
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા
તું હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા
પિતા પેલો આઘે જગત વીંટતો સાગર રહે
અને વેગે પાણી સકલ નદીનાં તે ગમ વહે
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી
દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર ભણી
થતું જે કાયાથી ઘડીક ઘડી વાણીથી ઉચરું
કૃતિ ઇંદ્રિયોની મુજ મન વિશે ભાવ જ સ્મરું
સ્વભાવે બુદ્ધિથી શુભ અશુભ જે કાંઈક કરું
ક્ષમાદષ્ટે જોજો તુજ ચરણમાં નાથજી ધરું

No posts

Comments

No posts

No posts

No posts

No posts