
0 Bookmarks 296 Reads0 Likes
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.
ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.
ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.
તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.
તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.
બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો.
No posts
No posts
No posts
No posts
Comments