
હું હમણાં જ નાહી છું.
માથા પર પાણી રેડ્યું ને એ
સેંથા પરથી થઈને વાળ,
ખભા, નિતંબ, કમર અને
પીઠ, હથેળી ઘૂંટણ પરથી ટપકે છે.
જો, જો, પેલો કાળો નાગ !
શંકરના ગળેથી ઊતરીને
દૂધની ધારાઓ વચ્ચેથી માર્ગ કરતો
ક્યાં જઈને વીંટળાઈ વળ્યો છે
પીળા કરેણાને ?
કાળોકેર વર્તાવી દીધો છે શંકરે.
મને પણ બે હાથે, ગોળ ગોળ ફેરવીને
હવામાં ફંગોળી દીધી. નીચે પટકાઈ કે
સ્તનોના ભાંગીને ભૂકા થઈ ગયા.
બત્રીસી બહાર નીકળી આવી,
છતાં હજી આંખો મીંચાતી નથી.
નજર સામે તરવર્યા કરે છે
પેલો નાગો બાવો !
આખા શરીરે ભભૂત લગાવેલો.
સપ્રમાણ દેહ, લાલઘૂમ આંખો,
ગુલાબી હોઠ, ભીછરા વાળવાળો.
એનો સંઘ આખો આગળ ચાલતો જતો હતો
કંદરાઓમાં.
અને એ એકલો ઊભો રહી ગયો હતો, મને જોવા.
હું તાજી જ નાહીને બહાર ઊભી હતી જ્યારે.
અને મારા મોંમાં પણ પાણી આવતું હતું.
કેલ્શિયમની ખામી છે મારા શરીરમાં.
મને અદમ્ય ઇચ્છા થઈ આવી કે
આ ઘૂણીની રાખની મુઠ્ઠીઓ ભરીભરીને
મોઢામાં નાખું.
મારી આખીયે જિંદગીની તપસ્યા પૂરી થઈ જાય.
પણ આ જ એ પળો હતી
જ્યારે શંકર ત્રૂઠ્યો !
હું અહીં કણસતી પડી છું,
અને કંદરાઓ નીચે પણ કેટલાયે લોકો દટાઈ મર્યા છે.
No posts
No posts
No posts
No posts
Comments