મોર બની થનગાટ કરે's image
2 min read

મોર બની થનગાટ કરે

Jhaverchand MeghaniJhaverchand Meghani
0 Bookmarks 762 Reads0 Likes

બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે
નવે ધાનભરી મારી સીમ ઝૂલે.
નવ દીન કપોતની પાંખ ખૂલે.
મધરા મધરા મલકઐને મેંડક મેંહસું નેહસું બાત કરે
ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
મન મોર બની થનગાટ કરે

નવ મેઘ તણે નીલ આંજણિયે મારા ઘેઘૂર નૈન ઝગાટ કરે.
મારા લોચનમાં મદઘેન ભરે.
મારી આતમ લે'ર બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે
ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેન નિલાંજન-ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ કરી લટ મોકળીયુ ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે'લ પરે
મન મોર બની થનગાટ કરે

નદીતીર કેરા કુણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે
પટ-કુળ નવે પાણી-ઘાટ પરે !
એની સુનમાં મીટ મંડાઇ રહી
એની ગાગર નીર તણાઇ રહી
એને ઘર જવા દરકાર નહી
મુખ માલતીફૂલની કુંપળ ચાવતી કોણ બીજા કેરૂં ધ્યાન ધરે!
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે!
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુકની ડાળ પરે
ચકચૂર બની ફૂલ-ડાળ પરે
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે
શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
મન મોર બની થનગાટ કરે

No posts

Comments

No posts

No posts

No posts

No posts