તારા મનમાં's image
2 min read

તારા મનમાં

Esha DadawalaEsha Dadawala
0 Bookmarks 208 Reads0 Likes

તારા મનમાં ચાલતી હોય છે હજાર વાતો -
હવે,
તને જોઈએ છે આધાર !
રોજ સાંજે બાગમાં ચાલવા જઈએ છીએ ત્યારે
તું મારા હાથમાં તારો હાથ મૂકી
સાવ નચિંત થઈ જાય છે.
વર્ષો પહેલાં રસ્તો ક્રૉસ કરતી વખતે
મારી આંગળી તારા હાથને સોંપી
હું નચિંત થઈ જતી - બસ એવી જ રીતે !
તારામાં ચાલતા વિચારયુદ્ધને શાંત પાડવા
તું બધું જ કહી દે છે મને
હું સાંભળતાંવેંત જ તારી બધી જ તકલીફો
દૂર કરી નાખીશ એવા વિશ્વાસથી !
ઘણી વાર મને થાય
લાવને, હું જ તારી મા થઈ જાઉં...
તને પસવારું - માથે વહાલથી હાથ ફેરવું
અને તારું માથું મારા ખોળે લઈ સુવાડી દઉં
તને થોડી વાર...
પછી તું મને સુવાડવા ગાતી એ જ ગીત ગાઉં
‘ધીરે સે આજા રી અખિયન મેં, નિંદિયા ધીરે સે આજા...’
તને યાદ છે,
નાનપણમાં મને તાવ આવતો ત્યારે
તું માથે હાથ ફેરવતી
અને મને તરત જ સારું થઇ જતું...
બસ એમ જ
હું તારા માથે ક્યારની હાથ ફેરવું છું.
સારું લાગે છે હવે?
તને સંભળાય છે મા?
સારું લાગે છે હવે?
તું કોઈ જવાબ આપતી નથી
અને હું તારા માથે હાથ ફેરવ્યા જ કરું છું!

No posts

Comments

No posts

No posts

No posts

No posts