
0 Bookmarks 418 Reads0 Likes
એ દિવસે આપણે છેલ્લી વાર મળ્યાં
ત્યારે આભ પણ વરસતું’તું અને આંખ પણ !
અને પછી મેં વરસાદમાં ભીંજાવાનું લગભગ છોડી દીધેલું.
કારણ,
એ પછીના પ્રત્યેક વરસાદમાં મને સમજાયું જ નહોતું કે,
તું યાદ આવે છે ને વરસાદ આવે છે
કે વરસાદ આવે છે ને તું યાદ આવે છે.
અને પછી મારી અંદર
નહીં વરસેલું આકાશ છવાઈ જતું.
ગોરંભાયેલા આકાશના ડૂમા પણ કોની યાદમાં
વરસાદ થઈ જતા હશે, શી ખબર ?
પણ હું જાણું છું કે,
તું અને તારી યાદ - તમે બંને મને
ગોરંભાયેલા આકાશ જેવી જ વિહ્વળ કરી મૂકો છો
અને એટલે જ મેં
રેઇન-કોટ જેવું પ્લાસ્ટિકી જડ આવરણ
રચી નાંખ્યું છે મારી આસપાસ
ઍટલિસ્ટ કોરા તો રહી શકાય !
તોય વરસતા વરસાદ વચ્ચે મને ઘણી વાર થાય
દોડી આવું તારી પાસે
અને આપણે ભીંજાઈએ પહેલાંની જેમ જ.
જોકે હું રેઇન-કોટ પહેરું છું એટલું જ
બાકી, વરસાદ તો હજી પણ,
પહેલાં ગમતો હતો એટલો જ ગમે છે !
No posts
No posts
No posts
No posts
Comments