
Share0 Bookmarks 10 Reads0 Likes
બીજું થશે શું? ડૂબી જશુ! પણ હવે તરીશુ અમારી રીતે!
પ્રણય કરીશું અમે જીવનભર, પણ એ કરીશું અમારી રીતે!
ઉગીને જાતે, કર્યું છે નક્કી કે પાંગરીશું અમારી રીતે!
નથી બગીચે ઉગેલા ફૂલો, અમે ખરીશું અમારી રીતે!
મિલન નહીં તો પ્રતીક્ષા, નહિ તો ઉદાસી પીડા કે આંસુઓથી,
અમારી આંખોના ઓરડાને અમે ભરીશું અમારી રીતે!
ગઝલ લખીશું, કે ગણગણીશું, કે ધ્રુસકે ધ્રુસકે રડીય લઈશું,
સ્મરણ ઉપર તો છે હક અમારો તો વાપરીશું અમારી રીતે!
પૂછીને ચાહ્યા હતા ક્યાં તમને તે વાત માનીશું ભૂલવાની,
કથા જીવનની કે હો મરણની એ આદરીશું અમારી રીતે!
તમે જે આપો છો દર્દ એની નહીં થવા દઈએ સહેજે ઝાંખી,
તમારી ક્ષમતા પ્રમાણે આપો, એ સંઘરીશું અમારી રીતે!
સંદીપ પૂજારા
No posts
No posts
No posts
No posts
Comments