ધરા ગુજરાત's image
Share0 Bookmarks 74 Reads0 Likes

ધરા ગુજરાત       


વહેતી વિશ્વ વદને આજ તારા વખાણની વાત....

વંદન તુજને ઓ મારી ગુણિયલ ધરા ગુજરાત……


ડગલે ને પગલે જગજનની આશિષ બધે આપે....

નિત ધર્મના રસ્તે ચાલતાં ગુર્જરો જીવનપંથ કાપે....

સોહામણું દીસે છે રણ, કચ્છની કળા કામણગારી....

પાટણનાં રૂડાં પટોળે શોભતી નમણી ગુર્જર નારી....

જીવનરંગોએ મળી જાણે સુંદર શણગારી ભાત....

વંદન તુજને ઓ મારી ગુણિયલ ધરા ગુજરાત….


આવકારે આ કાઠિયાવાડ, આપી રોટલા-પાણી....

ખમીરીના ખોરડે-ખોરડે ગુંજતી ભક્તોની વાણી....

આપતા આશિષ હરિ ને હર બિરાજી સાગર તટે....

શીલના સંગાથે વિહરતા વીરો વન વગડામાં વટે...

ડાલામથ્થા ડણકીને જ્યાં ગીર ગજવે દિનરાત……

વંદન તુજને ઓ મારી ગુણિયલ ધરા ગુજરાત……


પુનીત સરિતાનાં સેજળે અહીં પાકે સોના સરીખા મોલ....

ગાંધી-સરદાર ને મોદી છે આ ભૂમિ તણા રત્નો અણમોલ....

અદાણી-અંબાણી જેવા અર્થ આકાશે ઝળહળે છે તારા....

સુરતના હીરા સરીખા ચમકે ગુજરાતીઓ જગમાં સારા....

રાસ અને ગરબામાં ઘૂમતી ઉત્સવોની અમીરાત....

વંદન તુજને ઓ મારી ગુણિયલ ધરા ગુજરાત….


અમૂલ ને વળી ઉજળો દૂધનો સાગર રોજ છલકાતો....

વ્હાલો વડવાઓનો વારસો, છે અહીં પ્રકૃતિ સાથે નાતો....

વિહગ વિદેશી દૂર-દૂરનાં, આવી બને આપણાં મહેમાન....

ડુંગરે-ડુંગરે સંભળાય ખળખળ વહેતાં ઝરણાંનાં ગાન....

સાહિત્યની ગુર્જરવાણી તણી મોંઘી છે ઝવેરાત.....

વંદન તુજને ઓ મારી ગુણિયલ ધરા ગુજરાત….


વહેતી વિશ્વ વદને આજ તારા વખાણની વાત....

વંદન તુજને ઓ મારી ગુણિયલ ધરા ગુજરાત……


ગુણિયલ ધરા ગુજરાત.....

ગુણિયલ ધરા ગુજરાત......

ગુણિયલ ધરા ગુજરાત......

ગુણિયલ ધરા ગુજરાત.....

ગુણિયલ ધરા ગુજરાત.....



- નરેશ કુશવાહા

No posts

Comments

No posts

No posts

No posts

No posts